અમદાવાદઃ બૈસરનમાં આતંકી હુમલા બાદ કાશ્મીર પ્રવાસનું મોટાભાગનું બુકિંગ કેન્સલ થયું છે. ટૂરિસ્ટોમાં ડરનો માહોલ પ્રવર્તી રહ્યો છે. કાશ્મીરના આતંકી હુમલાની ચારધામ યાત્રાને પણ અસર થઈ છે. આ વખતે ગુજરાતમાં ચારધામ યાત્રામાં 50 ટકા બુકિંગ કેન્સલ થયાં છે. કેટલાંય ગુજરાતીઓએ ચારધામ યાત્રાએ જવાનું માંડી વાળ્યું છે, જેથી ગુજરાતી ટૂર ઓપરેટરોને ઉનાળુ વેકેશનની સિઝન જાણે માથે પડી છે.
દરવર્ષે ગુજરાતથી 25 હજાર યાત્રાળુ ચારધામ યાત્રાએ જાય છે. દિલ્હીથી ચારધામ યાત્રાના 12 દિવસના ટૂર પેકેજનો ભાવ રૂ. 45 હજારથી માંડીને રૂ. 50 હજાર સુધીનો હોય છે. ટૂર ઓપરેટરોનું કહેવું છે કે, આતંકી હુમલા બાદ ચારધામ યાત્રામાં 50 ટકા બુકિંગ કેન્સલ થયાં છે. લોકોમાં ડરનો માહોલ પ્રવર્તી રહ્યો છે, તેમાં હવે યુદ્ધ થશે તેવી ભીતિ લોકોને સતાવી રહી છે. આમ ચારધામ યાત્રા માટે નવું બુકિંગ પણ લગભગ બંધ થઈ ગયું છે.